અમદાવાદમાં રીક્ષાવાળાની દાદાગીરી, નિયમભંગ કરતા એની રીક્ષા ડિટેઈન કરી તો પોલીસ ચોકી સળગાવી

0
179

તમે બધા એ વાત જાણો છો કે, નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા પછી ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર મોટા દંડ વસુલવામાં આવી રહ્યા છે. આ કારણે નિયમોનો ભંગ કરનાર લોકોને મુશ્કેલી થઈ રહી છે. લોકો આનો વિરોધ કરી રહ્યા છે. એવામાં અમદાવાદના એક રિક્ષાવાળા એ તો રીતસરની દાદાગીરી કરી છે.

સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, અમદાવાદના ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ નજીક આવેલ ટ્રાફિક પોલીસની એક ચોકી પર એક્ટિવા પર આવેલાં બે લોકોએ હુમલો કર્યો હતો. તેમણે ચોકીના કાચ તોડીને તેને આગ ચાંપીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના પછી ટીઆરબીના જવાને આ બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યું છે કે, તે રીક્ષા વાળો રોંગ સાઈડમાં હતો આથી ટ્રાફિક પોલીસે તેને રોકીને તેને દંડ ફટકાર્યો હતો. આ ઘટનાથી ઉશ્કેરાયેલા રીક્ષા ચાલકે પોલીસ ચોકીમાં આગ લગાવી હતી.

એ સમયે ફરજ બજાવી રહેલા ટીઆરબી જવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, સવારના સમયે એક રીક્ષા ચાલક રિક્ષાએ લઈને રોંગ સાઈડમાં આવી રહ્યો હતો, જેને તેમણે રોક્યો હતો. એ પછી તેમણે એ રીક્ષા ચાલક પાસે ડ્રાઈવિંગ લાયસન્સ સહિતનાં કાગળીયા માગ્યા હતા. પણ તેની પાસે લાયસન્સ સિવાયનાં બીજા કોઈ પણ દસ્તાવેજ ન હતા. તેમજ તેની રીક્ષા પણ ઘણી ફેન્સી હતી, આથી તેની રીક્ષાને ડિટેઈન કરવામાં આવી હતી.

આ કારણે તે રીક્ષા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે ત્યાં હાજર સ્ટાફને ધમકી આપી હતી કે, રીક્ષા ગમે ત્યાં મુકશો હું સળગાવી દઇશ, અને તમને જોઈ લઈશ. અને તે ડિટેઇન મેમોમાં સહી કર્યા વગર જ ત્યાંથી જતો રહ્યો હતો. એ પછી તે રીક્ષા ચાલક લગભગ પોણા બે વાગ્યાની આસપાસ કોઈ બીજા વ્યક્તિ સાથે એક્ટીવા પર આવ્યો હતો.

તેઓ પોતાની સાથે એક લોખંડનો પાઈપ અને કેરોસીનની બોટલ લાવ્યા હતા. એ બંન્ને જણાએ ત્યાં હંગામો કર્યો અને રીક્ષા જમા કરી છે તે પોલીસ વાળો ક્યાં છે? તેમ બૂમો પાડવા લાગ્યો હતો. એ પછી તેમણે ચોકી પર લગાવેલ બેનર પર કેરોસીન નાંખીને તેને આંગ ચાંપી હતી. અને એની સાથે આવેલા બીજા વ્યક્તિએ લોખંડના પાઇપ વડે ચોકીની બારીના કાચ તોડી નાખ્યા, અને ત્યાં હાજર કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી.

ચોકી પર હંગામો થતા આસપાસમાં લોકો ત્યાં ભેગા થઈ જતાં બંન્ને જણા એક્ટીવા લઈને ત્યાંથી ભાગી ગયા હતાં. એ પછી આ ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેમણે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.